છેક ૧૯૪૭થી સંસ્કારી પારિવારિક ફિલ્મો આપવા માટે પંકાયેલી રાજશ્રી ફરી એકવાર સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હોવાની માહિતી મળી હતી. છેલ્લે સલમાને રાજશ્રી સાથે ૨૦૧૫માં પ્રેમ રતન ધન પાયો ફિલ્મ કરી હતી જે બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે સતત એક્શન ફિલ્મો કરવા માટે પંકાયેલા સલમાન ખાનને રાજશ્રીએ પ્રેમ રતન ધન પાયોમાં મૃદુભાષી પ્રેમ તરીકે રજૂ કર્યો હતો.
નવી ફિલ્મ અંગે બોલતાં સૂરજ બડજાત્યાએ કહ્યું કે હું સલમાન સાથે એક્શન પ્રચુર ફિલ્મ બનાવવાનો છું એવા મિડિયા રિપોર્ટ નર્યાં ગપ્પાં છે. અમે ક્યારેય એક્શન ફિલ્મો બનાવી નથી. એ રાજશ્રીની ખાસિયત છે. સલમાન સાથે અમે જે નવી ફિલ્મ બનાવવા માગીએ છીએ એ કૌટુંબિક કથા ધરાવતી હશે. મેં સલમાનને સ્ટોરીલાઇન સંભળાવી દીધી છે. એને વાર્તા પસંદ પડી છે અને એણે આગળ વધવાની હા પાડી છે.
અત્રે એ યાદ રહે કે સલમાનની કારકિર્દીનો સૂર્ય રાજશ્રીની સુપરહિટ નીવડેલી ફિલ્મ હમ આપ કે હૈં કૌન કર્યા બાદ સોળે કળાએ ચમક્યો હતો. એની એક્શન બૉય તરીકેની ઇમેજ તો બહુ મોટી આવી. સૂરજે કહ્યું કે હું માર્ચ માસ પછી સલમાન માટેની ફિલ્મની સ્ક્રીપ્ટ લખવા બેસીશ. હમણાં એ કામ હાથમાં લેવાનો નથી.